રાજકોટમાં ડ્રગ પેડલર સુધા ધામેલીયાનો ફરી એક વાર આતંક સામે આવ્યો છે. એક જુવાનજોધ યુવાને સુધા ધામેલીયાને લીધે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો છે. ત્યાર બાદ સમગ્ર બાબત મીડિયામાં પ્રકાશિત થઇ હતી. જેને પગલે યુનિવર્સિટી પોલીસે ડ્રગ પેડલર સુધા ધામેલીયા વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. મૃતક યુવાનના નાના ભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં ડ્રગ્સના કારોબારને લઈને કેટલીક ચોંકાવનારી વાતો પણ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવક જય કિશોરભાઈ રાઠોડ રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ નજીક વસવાટ કરે છે. આ યુવાને પોતાના નિવાસસ્થાને જ પંખે લટકીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. યુનિવર્સિટી પોલીસને સમગ્ર બાબતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. પ્રાથમિક તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે,આર્થિક ભીંસથી કંટાળીને યુવાને આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
જો કે, મૃતકની માતા તેમજ મૃતકના ભાઈ કિરણે પત્રકારો સાથે વાતચીત કરતા ઘણા ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મૃતકના નાનાભાઈ ભાઈ કિરણે જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ જય રાઠોડની આત્મહત્યા માટે ડ્રગ પેડલર સુધા ધામેલીયા જવાબદાર છે.
સુધા ધામેલીયા અને તેના માણસો અવારનવાર મારા ભાઈને પરેશાન કરતા હતા. સુધા ધામેલીયા જુનાગઢથી ડ્રગ્સ લાવીને રાજકોટ શહેરમાં એક ગ્રામે 3 થી 4 હજાર રૂપિયાના ભાવે વેચે છે. અને ડ્રગ્સનો કાળોકારોબાર ચલાવે છે. મારા મોટા ભાઈ જય નશાના કારોબારમાં તેને સાથ આપે તેવું સુધા ધામેલીયા ઈચ્છતી હતી.
તમને જણાવી દઈએ કે, સુધા ધામેલીયા વિરુદ્ધ અનેક વખત રાજકોટ શહેર પોલીસ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે. અને અગાઉ સુધા ધામેલીયા સામે પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.