શ્રેયસ અય્યરે પોતાની પ્રથમ ડે-નાઇટ મેચમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ
શ્રેયસ અય્યરે પોતાની પ્રથમ ડે-નાઇટ મેચમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં શ્રેયસ અય્યરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ છે અને ગુલાબી બોલથી રમાઈ રહી છે. શ્રેયસ આ મેચની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી અને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. તે વિશ્વનો ચોથો ખેલાડી છે જેણે ડે-નાઈટ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 50 થી વધુ રન બનાવ્યા હોય. તેના પહેલા સ્ટીવ સ્મિથ, ડેરેન બ્રાવો અને માર્નસ લાબુશેન આ કારનામું કરી ચુક્યા છે.
વેસ્ટ ઈન્ડિઝના ડેરેન બ્રાવોએ 2016 માં દુબઈમાં પાકિસ્તાન સામે 87 અને 116 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે 2016માં બ્રિસ્બેનમાં પાકિસ્તાન સામે 130 અને 63 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેને મેચની બંને ઇનિંગ્સમાં બે વખત 50 થી વધુ રન બનાવ્યા છે. તેમને 2019 માં પર્થમાં ન્યુઝીલેન્ડ સામે 143 અને 50 રન બનાવ્યા હતા. ત્યાર બાદ 2021 માં એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે 103 અને 51 રનની ઇનિંગ રમી હતી.
આ મેચમાં ભારતની પકડ વધુ મજબૂત બની ગઈ છે. શ્રીલંકાને આ મેચ જીતવા માટે 419 રનની જરૂરીયાત છે અને ભારતને જીતવા માટે નવ વિકેટ લેવાની જરૂરીયાત છે. બીજા દિવસની રમતના અંતે શ્રીલંકાએ એક વિકેટના નુકસાને 28 રન બનાવી લીધા છે. કુશલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્ને ક્રિઝ પર રહેલા છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 252 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 92 અને પંતે 39 રનની ઇનિંગ રમી હતી. જ્યારે એમ્બુલડેનિયા અને જયવિક્રમાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં 109 રન બનાવ્યા હતા. ભારતના જસપ્રીત બુમરાહે પાંચ, શમી અને અશ્વિને બે અને અક્ષરે એક વિકેટ લીધી હતી. શ્રીલંકા માટે મેથ્યુસે સૌથી વધુ 43 અને ડિકવેલાએ 21 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ભારતે પંતના 50 અને શ્રેયસ અય્યરે 67 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે પ્રવીણ જયવિક્રમાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમને ચાર વિકેટ લીધી હતી જ્યારે એમ્બુલડેનિયાએ ત્રણ વિકેટ લીધી હતી.