કોરોના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી છે, જેને લઈને આજે બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે, જો કે, ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે, સરકારો એક બાદ એક પ્રતિબંધો દૂર કરી રહી છે. ત્યારે કોરોનાને લઈને શાળામાં ભણતા બાળકોને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણના તથા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને અધિકારીક રીતે તમામ પ્રકારની શાળા કોલેજોને ઓફલાઇન શિક્ષણ આપવા માટેની છુટ આપી દેવામા આવી છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. કોર કમિટીમાં થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા 21 ફેબ્રુઆરી 2022થી રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણના વિશાળ જાહેર હિતમાં માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.૨૧/૦૨/૨૦૨૨, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારશ્રીએ મહત્વનો નિર્ણય લીધો છે.
— Jitu Vaghani (@jitu_vaghani) February 17, 2022
જો કે, આ માટે શાળા અને કોલેજો દ્વારા કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે તેવું પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. 21 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ બંધ કરી દેવામા આવ્યો છે. તેવામાં હવે તમામ પ્રકારનું ઓનલાઇન શિક્ષણ કાર્ય બંધ થઇ જશે.