એટલાન્ટિક મહાસાગરમાં માલવાહક જહાજમાં આગ લાગવાથી હજારો ઓડી, પોર્શ, લેમ્બોર્ગિની, બેન્ટલી અને ઈલેક્ટ્રિક કારનો નાશ થવાની આશંકા જણાઈ રહી છે.
સમાચાર મુજબ, જહાજમાં સવાર હજારો ઈલેક્ટ્રિક વાહનોની બેટરીમાં આગ લાગવાથી આ અકસ્માત થયો હતો. આ વાહનોને વહન કરતી માલવાહક ફેલિસિટી એસ જર્મનીથી યુએસએના રોડ આઇલેન્ડના એક બંદરે જઈ રહી હતી અને તેને આ અઠવાડિયે તકલીફના સંકેતો જારી કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્ગો જહાજ પર 1,100 પોર્શ, 189 બેન્ટલી વાહનો ઉપરાંત અસંખ્ય ઓડી અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો હતા. પોર્ટુગીઝ નેવીએ જણાવ્યું હતું કે તમામ 22 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓ સામાન્ય સ્થિતિમાં હતા અને તેમને તબીબી સારવારની જરૂર પડી નથી.
નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કાર્ગો જહાજના 22 ક્રૂ સભ્યોને તબીબી સહાયની જરૂર નહોતી. તેઓને સ્થાનિક હોટેલમાં લઈ જવામાં આવ્યા છે. આ આગને કારણે અત્યાર સુધી કોઈ પ્રદૂષણની સમસ્યા જોવા મળી નથી.
હાલમાં આ સ્પષ્ટ થયું નથી કે આ વાહનોની બેટરીમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી છે કે અન્ય કોઈ કારણ છે. શુક્રવારની મોડી રાત્રે આવેલા અહેવાલો અનુસાર આગને કાબૂમાં લેવા માટે બેટરી નિષ્ણાતોની જરૂર પડશે.
આગને કારણે આશરે 15 કરોડ ડૉલરનું નુકસાન થવાની ધારણા છે. વોક્સવૈગન ગ્રૂપ (VW)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આ ઘટનાથી વાકેફ છીએ. જહાજ ઉત્તર અમેરિકા જઈ રહ્યું હતું અને અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. અમે ઘટના વિશે વધુ માહિતી મેળવવા માટે શિપિંગ કંપનીના સંપર્કમાં છીએ.