Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

ભાઈ બહેનના સ્નેહ, શ્રદ્ધા અને રક્ષા કરતું પર્વ એટલે રક્ષાબંધન.. રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે? જાણો તેની પાછળની કહાની..

ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.

રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.

ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે.

આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

હિંદુ સમાજમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.

આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો.

આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે. આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ.
ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું અને ભવ્ય ભાવનાનું મહત્વ છે. રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.

બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે

એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે.

ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે. રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે.

ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.

રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે.

આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે. પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.

“કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો! બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા! રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.

તમામ ભાઈયો તથા બહેનો ને રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ..

 

[quads id=1]

Related Articles

Back to top button