મોહમ્મદ કૈફ અને આર પી સિંહ ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા તૈયાર, નિવૃત્ત દિગ્ગજો ફરી આ સીરીઝમાં રમતા જોવા મળશે

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો મોહમ્મદ કૈફ અને આરપી સિંહ પણ વૈશ્વિક T20 લીગ લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝનમાં ભાગ લેશે. આ જાણીતી લીગમાં વિશ્વના ઘણા મહાન ખેલાડીઓ પણ ભાગ લેવાના છે.
મોહમ્મદ કૈફ અને આર પી સિંહ પણ લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સીઝનમાં ભાગ લેવાના છે. જ્યારે બંને ખેલાડીઓ પ્રથમ સિઝનના પણ ભાગ રહી ચૂક્યા છે. લેજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સીઝન ભારતમાં રમાશે, જેની ફેન ફોલોઈંગ જબરજસ્ત છે.
છેલ્લા અઠવાડિયામાં લીગમાં ઓસ્ટ્રેલિયાના બ્રેટ લી, દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન, જેક્સ કાલિસ, ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સન, શ્રીલંકાના મુથૈયા મુરલીધરન, ચામિંડા વાસ, ઈંગ્લેન્ડના મોન્ટી પાનેસર અને ભારતના વીરેન્દ્ર સેહવાગ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, એસ.બદ્રીનાથ અને. સ્ટુઅર્ટ બિન્ની જેવા અનુભવી ખેલાડીઓને જોડ્યા છે.
લિજેન્ડ્સ લીગ ક્રિકેટના સહ-સ્થાપક અને સીઈઓ રમણ રહેજાએ જણાવ્યું હતું કે, “મને ખાતરી છે કે, ચાહકો તેમના મનપસંદ દિગ્ગજ સાથે ક્રિકેટને પસંદ કરશે. અમે પ્રથમ સિઝન દરમિયાન સારી સ્પર્ધાત્મક ક્રિકેટ જોઈ અને અમને આશા છે કે, નવા ખેલાડીના સામેલ થવાથી પ્રતિયોગીતા વધુ રોમાંચક અને રસપ્રદ બનશે.
તેમને વધુમાં જણાવ્યું છે કે, “અમે લિજેન્ડ્સ પરિવારમાં આ ખેલાડીઓનું સ્વાગત કરીએ છીએ અને તેમને ફરીથી મેદાન પર જોવા માટે ઉત્સુક છીએ.” ઉલ્લેખનીય છે કે, લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝન ઓમાનને બદલે ભારતમાં રમાશે. આ લીગમાં ઈયાન બટલર (ન્યૂઝીલેન્ડ), મિશેલ મેકક્લેનાઘન (ન્યુઝીલેન્ડ), એલ્ટન ચિગુમ્બુરા (ઝિમ્બાબ્વે), ધમ્મિકા પ્રસાદ (શ્રીલંકા), પારસ ખડકા (નેપાળ), ચામિંડા વાસ (શ્રીલંકા), ક્રિસ્ટોફર મપોફુ (ઝિમ્બાબ્વે) અને લક્ષ્મી રતન શુક્લા (ભારત) જેવા પ્રતિષ્ઠિત ખેલાડીઓ રમતા જોવા મળશે. છેલ્લા અઠવાડિયામાં, તેમણે ડેલ સ્ટેન, જેક્સ કાલિસ, વિરેન્દ્ર સેહવાગ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, મુરલીધરન, મોન્ટી પાનેસર, પ્રવીણ તાંબે, નમન ઓઝા, એસ બદ્રીનાથ, સ્ટુઅર્ટ બિન્ની અને અસગર અફઘાન જેવા દિગ્ગજ ખેલાડીઓને જોડ્યા હતા.