પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને રવિવારે કહ્યું કે, તેમના દેશના પંજાબ પ્રાંતમાં ભારતીય મિસાઈલ પડવા પર જવાબ આપી શકતા હતા, પરંતુ અમે સંયમ રાખ્યો. 9 માર્ચના રોજ એક નિઃશસ્ત્ર ભારતીય સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં ઘુસી ગઈ હતી. જો કે મિસાઈલ પડતાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રથમ વખત આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ઈમરાને કહ્યું કે, “ભારતીય મિસાઈલ મિયાં ચન્નુ પર પડ્યા પછી અમે જવાબ આપી શક્યા હોત, પરંતુ અમે સંયમ રાખ્યો.”
પાકિસ્તાનના વડાપ્રધાને આ ઘટના પર આપી પહેલીવાર પ્રતિક્રિયા
વિપક્ષ દ્વારા સંયુક્ત અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે પંજાબના હાફિઝાબાદમાં એક રેલીમાં ઈમરાને કહ્યું, “આપણે આપણી સેના અને દેશને મજબૂત બનાવવો પડશે.” અગાઉ, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે શનિવારે કહ્યું હતું કે આકસ્મિક રીતે છોડવામાં આવેલી મિસાઇલથી તે ભારતના સરળ સ્પષ્ટતાથી સંતુષ્ટ નથી.
ભારતે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આપ્યા આદેશ
પાકિસ્તાને તથ્યો સ્થાપિત કરવા માટે નવી દિલ્હીને આ ઘટનાની સંયુક્ત તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતનું કહેવું છે કે નિયમિત મેન્ટેનન્સ ઓપરેશન દરમિયાન ટેકનિકલ ખામીને કારણે મિસાઈલ આકસ્મિક રીતે લોન્ચ કરવામાં આવી હતી. ભારતે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
પાકિસ્તાની PMએ કહ્યું, બટેટા-ટામેટાની કિંમત જાણવા માટે રાજકારણમાં નથી આવ્યા
રિપોર્ટ અનુસાર, અભૂતપૂર્વ મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું કે તેઓ બટાકા અને ટામેટાંની કિંમત જાણવા માટે રાજકારણમાં આવ્યા નથી. ઈમરાને દાવો કર્યો હતો કે આગામી એકથી દોઢ વર્ષમાં પાકિસ્તાનનો વિકાસ રેકોર્ડ સ્તરે થશે.