ખોટી રીતે વાહનો પાર્ક કરનાર ચેતી જજો, નીતિન ગડકરી લાવી રહ્યા છે આ કાયદો

વાહનોની વધતી સંખ્યાને કારણે પાર્કિંગ એક મોટી સમસ્યા બની ગઈ છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ટૂંક સમયમાં ખોટા પાર્કિંગને લઈને કાયદો બનાવવામાં આવશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસ્વીર મોકલનાર વ્યક્તિને ઈનામ મળી શકે છે. ગડકરીએ કહ્યું છે કે, જો દંડની રકમ 1,000 રૂપિયા છે, તો ફોટોગ્રાફ મોકલનારને 500 રૂપિયા મળી શકે છે.
કેન્દ્રીય મંત્રી ગડકરી તેમના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું છે કે, તેઓ રસ્તાઓ પર ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનોને રોકવા માટે એક કાયદા પર વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ખોટા પાર્કિંગને કારણે ઘણી વખત રસ્તાઓ જામ થઈ જાય છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું છે કે, “હું એવો કાયદો લાવવા જઈ રહ્યો છું કે, જે વ્યક્તિ રસ્તા પર કાર પાર્ક કરશે, તેનો જે મોબાઈલથી ફોટો મોકલશે, તેને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે, જ્યારે ફોટો પાડનારને 500 રૂપિયા આપવામાં આવશે. જેથી પાર્કિંગની સમસ્યા હલ થશે.
મંત્રીએ ખેદ વ્યક્ત કર્યો છે કે, લોકો તેમના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવતા નથી, તેના બદલે તેમના વાહનો રસ્તા પર કબજો કરી લે છે.
તેની સાથે તેમણે જણાવ્યું કે, “નાગપુરમાં મારા રસોઈયા પાસે પણ બે સેકન્ડ હેન્ડ વાહન છે…હવે, ચાર જણના પરિવાર પાસે છ વાહનો છે. એવું લાગે છે કે, દિલ્હીવાસીઓ ભાગ્યશાળી છે કારણ કે અમે તેમના વાહનો પાર્ક માટે રસ્તા બનાવ્યા છે. કોઈ પણ પાર્કિંગ જગ્યા બનાવતું નથી, તેમાંથી મોટા ભાગના વાહનો રસ્તા પર પાર્ક કરે છે.“