ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ પોતાના નામે કરી શકે છે આ મોટો રેકોર્ડ
ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ પોતાના નામે કરી શકે છે આ મોટો રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં પાંચમી ટેસ્ટ મેચ રમાશે. ગયા વર્ષે કોરોના વાયરસને કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. પરંતુ એક વર્ષ બાદ હવે સીરીઝની નિર્ણાયક મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જસપ્રીત બુમરાહ પાસે આ મેચ જીતીને ઈતિહાસ રચવાની સાથે એક ખાસ સ્થાન પ્રાપ્ત કરવાની તક પણ છે.
આ સિરીઝમાં અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાં જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો છે. બુમરાહે ચાર મેચમાં 18 વિકેટ લીધી છે. ઓલી રોબિન્સને આ સિરીઝમાં સૌથી વધુ 21 વિકેટ લીધી છે. પરંતુ રોબિન્સન ઈજાના કારણે આ મેચનો ભાગ નથી. આવી સ્થિતિમાં, જો બુમરાહ અંતિમ ટેસ્ટમાં ચાર વિકેટ લેવામાં સફળ રહેશે તો તે આ સીરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
જસપ્રીત બુમરાહ બાદ મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી આ સીરીઝમાં ભારતનો બીજો સૌથી સફળ બોલર છે. મોહમ્મદ સિરાજે 14 વિકેટ લીધી છે. મોહમ્મદ શમી ત્રણ મેચમાં 11 વિકેટ સાથે સીરીઝમાં ભારતનો ત્રીજો સૌથી સફળ બોલર છે.
એન્ડરસન આપશે પડકાર
જસપ્રીત બુમરાહને તેમ છતાં ફોર્મમાં ચાલી રહેલા જેમ્સ એન્ડરસન તરફથી પડકાર મળી શકે છે. જેમ્સ એન્ડરસને 4 મેચમાં 15 વિકેટ લીધી છે. એન્ડરસનને આ મેચ માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે ભારતના બેટ્સમેનોને પડકાર આપશે.
તેમ છતાં આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં જો રૂટ સૌથી આગળ છે. જો રૂટે ચાર મેચમાં 500 થી વધુ રન બનાવ્યા છે. હાલમાં અન્ય કોઈ બેટ્સમેન જો રૂટને પાછળ છોડવાની સ્થિતિમાં જોવા મળી રહ્યો નથી.