હાઈવે પર તરછોડાયેલી બાળકીને આ લેઉવા પટેલ યુગલે દત્તક લઈ આપ્યું નવજીવન
વડોદરાઃ સમાજમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી જતા છેલ્લા થોડા સમયથી દીકરીઓની સંખ્યા વધારવા માટે પટેલ સમાજે કમર કસી છે. લેઉવા પાટીદાર સમાજના એક યુગલે હાઈવે પર તરછોડાયેલી કૂમળી બાળકીને જીવતદાન આપીને ઉમદા દાખલો બેસાડ્યો છે. અશ્વિન પટેલ અને તેમની પત્ની ઈલા લુણાવાડામાં રહે છે. લગ્નના 18 વર્ષ બાદ પણ સંતાનસુખ ન મળતા તેમણે નક્કી કરી લીધુ હતું કે તે બાળક દત્તક લેશે. પરંતુ તેમની જીદ હતી કે તે દીકરી જ દત્તક લેવા માંગે છે. જો કે આ મહિનાની શરૂઆતમાં અશ્વિન ભાઈને તેમના જીવનની બેસ્ટ ટીચર્સ ડે ગિફ્ટ મળી. અમદાવાદના શિશુ ગૃહમાંથી તેમને તેમની થનારી પુત્રી માટે ફોન આવ્યો ત્યારે અશ્વિન ભાઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા.
પટેલને જ્યારે મૃગાનો ફોટો અને વિગતો મળી ત્યારે તેમની ખુશીનું કોઈ ઠેકાણુ ન રહ્યું. કડાણાની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં પ્રિન્સિપાલ 43 વર્ષના પટેલે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, “કોઈ બીજો વિચાર કર્યા વિના મેં અને મારી પત્નીએ તરત જ હા પાડી દીધી.” કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ યુગલે છ મહિનાની બાળકીને દત્તક લીધી હતી. તે ત્રણ મહિના પહેલા અમદાવાદની બહાર હાઈવે પર તરછોડાયેલી હાલતમાં મળી હતી. પટેલ યુગલે ડોટર્સ ડેના ત્રણ દિવસ પહેલા એટલે કે 20 સપ્ટેમ્બરે બાળકીને આવકારી હતી. ઓક્ટોબર 2016માં તેમણે જ્યારે દીકરીને દત્તક લેવાની ઈચ્છા દર્શાવી ત્યારે સમાજ શું કહેશે તેની તેમણે બિલકુલ પરવા કરી નહતી. અશ્વિનભાઈના પરિવારમાં કોઈ દીકરી નથી. તેમને બહેન પણ નથી અને તેમના ભાઈને ત્યાં પણ બે દીકરાઓ જ છે.
જન્મદાતા મા-બાપે હાઈવે પર ત્યજી દેતા નસીબ આ કૂમળી બાળકીને પાલડીના શિશુ ગૃહમાં લઈ આવ્યું હતું. શિશુ ગૃહના સુપ્રિન્ટેન્ડન્ટ રિતેશ દવેએ જણાવ્યું, “કપલને છોકરો જોઈતો હોય કે છોકરી, અમારે દત્તક આપવા પહેલા બે વર્ષની રાહ જોવી પડે છે. છેલ્લા થોડા વર્ષથી ટ્રેન્ડ બદલાયો છે. હવે વધુને વધુ કપલ છોકરા કરતા છોકરીને દત્તક લેવાનું પસંદ કરે છે.”
લેઉવા અને કડવા પાટીદાર સમાજનો સર્વે દર્શાવે છે કે તેમાં 1000 છોકરાઓ સામે 750થી 800 છોકરીઓ જ છે. આથી તેમણે છોકરા પરણાવવા માટે ઓડિશા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશથી છોકરીઓ લાવવી પડે છે. અશ્વિન ભાઈએ જણાવ્યું કે “ખેદ જનક છે કે લોકો આવી ગણતરી કરે છે. છોકરા છોકરીમાં કોઈ ભેદ ન હોવો જોઈએ. ભણેલી ગણેલી છોકરીઓ જીવનમાં આગળ વધીને એક નહિં, બે પરિવારનું નામ રોશન કરે છે.”