ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન કર્યું, મુંબઈ પોલીસે આરોપ બાદ કેસ નોંધ્યો
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પર કોપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. આ પછી બુધવારે મુંબઈ પોલીસે આ કેસમાં સુંદર પિચાઈ સામે કેસ નોંધ્યો હતો. સુંદર પિચાઈ ઉપરાંત ગૂગલના અન્ય પાંચ અધિકારીઓ પર પણ કેસ નોંધવામાં આવ્યો છે. “કોર્ટના નિર્દેશો પર, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને કંપનીના અન્ય પાંચ અધિકારીઓ સામે કોપીરાઇટના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને આરોપ લગાવ્યો હતો કે ગૂગલે અનધિકૃત વ્યક્તિને તેની ફિલ્મ ‘એક હસીના થી એક દીવાના થા’ યુટ્યુબ પર અપલોડ કરવાની મંજૂરી આપી હતી. આ મામલે હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ફરિયાદીનું કહેવું છે કે ગૂગલના આ પગલાંને કારણે તેમને કરોડો રૂપિયાની કમાણી થઇ અને તેમને (ફિલ્મ નિર્માતાને) કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ફરિયાદીની ફરિયાદના આધારે સુંદર પિચાઈ ઉપરાંત ગૌતમ આનંદ (યુ ટ્યુબના એમડી) સહિત ગૂગલના અન્ય અધિકારીઓ સામે કોપીરાઇટની કલમ 51, 63 અને 69 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પહેલા મંગળવારે સરકારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભુષણ પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી હતી. સન્માનની જાહેરાતના એક દિવસ બાદ સુંદર પિચાઈ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સુંદર પિચાઈ 2014માં ગૂગલના હેડ બન્યા હતા. આ પછી વર્ષ 2019માં તેમને ગૂગલની સાથે આલ્ફાબેટના સીઈઓ બનાવવામાં આવ્યા હતા.