ઇંગ્લેન્ડ સામે સીરીઝ જીતવાનું ફળ ભારતને મળ્યું, ICC રેન્કિંગમાં થયો જબરદસ્ત ફાયદો

ભારતીય ટીમે ત્રણ મેચની વનડે સીરીઝ 2-1થી જીતી લીધી છે. આ જીત સાથે ભારતે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે અને ICC ODI રેન્કિંગમાં પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. હવે ત્રીજા સ્થાને ભારતની સ્થિતિ વધુ મજબૂત બની ગઈ છે. ચોથા નંબર પર રહેલા પાકિસ્તાન માટે ભારતને પાછળ છોડવું મુશ્કેલ બનશે. ભારતે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટની શાનદાર જીત નોંધાવ્યા બાદ ICC રેન્કિંગમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું હતું.
ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં ભારતની હાર બાદ સીરીઝ ગુમાવવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો હતો. જો ટીમ ઈન્ડિયા ODI સિરીઝ હારી ગઈ હોત તો ICC રેન્કિંગમાં પાકિસ્તાન ત્રીજા નંબરે આવી ગયું હોત અને ભારત ચોથા સ્થાને આવી ગયું હોત, પરંતુ સિરીઝ જીતીને ટીમ ઈન્ડિયાએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.
હવે ભારતના 109 રેટિંગ પોઈન્ટ છે અને તે પાકિસ્તાન કરતા ત્રણ રેટિંગ પોઈન્ટ આગળ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ 128 રેટિંગ સાથે પ્રથમ સ્થાન પર રહેલ છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે હારવા છતા 112 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર યથાવત છે. ઓસ્ટ્રેલિયા 101 રેટિંગ સાથે પાંચમા સ્થાન પર છે.
આગામી કેટલાક અઠવાડિયામાં ICC રેન્કિંગ ઝડપથી બદલાઈ શકે છે. છઠ્ઠા ક્રમની દક્ષિણ આફ્રિકા ચોથા સ્થાને રહેલા પાકિસ્તાનથી માત્ર સાત રેટિંગ પોઈન્ટ પાછળ છે અને ઈંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ કરવા પર સાઉથ આફ્રિકા ચોથા સ્થાન પર આવી શકે છે. ભારતે આ સપ્તાહથી વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સીરીઝ રમવાની છે અને અહીં જીત મેળવીને ભારત પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે. પાકિસ્તાન હાલમાં શ્રીલંકા સાથે ટેસ્ટ સીરીઝ રમી રહ્યું છે અને ઓગસ્ટમાં આ ટીમ નેધરલેન્ડમાં વનડે સીરીઝ રમશે.