મુખ્ય ટુર્નામેન્ટ માટે મુંબઈની ટીમની જાહેરાત, આ ટીમમાં અજિંક્ય રહાણેની થઈ એન્ટ્રી
રણજી ટ્રોફીની નવી સીઝન માટે મુંબઈની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઈની ટીમમાં અર્જુન તેંડુલકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના સિવાય પૃથ્વી શોને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. છેલ્લા વર્ષે વિજય હજારે ટ્રોફીમાં પણ ટીમની કેપ્ટનશીપ પૃથ્વી શોએ જ કરી હતી. અજિંક્ય રહાણેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશનની સીનીયર પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી છે. જેમાં તમામની સહમતિથી પૃથ્વી શોને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રણજી ટ્રોફીનું આયોજન બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કાની વાત કરીએ તો તે આઈપીએલ પહેલા અને બીજો તબક્કો આઈપીએલ સમાપ્ત થયા બાદ તેનું આયોજન કરવામાં આવશે.
મુંબઈની રણજી ટીમમાં પૃથ્વી શો, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે, આકર્ષિત ગોમેલ, અરમાન જાફર, સરફરાઝ ખાન, સચિન યાદવ, આદિત્ય તારે, હાર્દિક તમોરે, શિવમ દુબે, અમાન ખાન, શમ્સ મુલાની, તનુષ કોટિયન, પ્રશાંત સોલંકી, શશાંક અત્તારડે, ધવલ કુલકર્ણી, મોહિત અવસ્થી, પ્રિન્સ બદિયાની, સિદ્ધાર્થ રાઉત, રોયસ્ટન ડાયસ, અર્જુન તેંડુલકરનો સમાવેશ થાય છે.
મુંબઈની ટીમમાં અજિંક્ય રહાણેની હાજરી એક સારા સમાચાર કહી શકાય તેમ છે. રહાણેના અનુભવનો ફાયદો ટીમને ચોક્કસપણે મળવાનો છે. રહાણેનું ફોર્મ છેલ્લા થોડા સમયથી ખરાબ ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં તેમને પણ રણજી ટ્રોફીમાંથી તેમનું ફોર્મ પરત મેળવવાની તક મળી જશે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.