દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્નનું હાર્ટએટેકથી અવસાન
ઓસ્ટ્રેલિયા સહિત વર્લ્ડ ક્રિકેટ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ મહાન લેગ સ્પિનર શેન વોર્નના અવસાનના સમાચાર સામે આવ્યા છે. શેન વોર્નનું અવસાન હાર્ટ એટેકના લીધે થયું હોવાનું સામે છે. શેન વોર્નની ઉમર માત્ર 52 વર્ષ હતી. શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બીજા નંબરનો બોલર હતો.
શેન વોર્નના મેનેજમેન્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવતા જણાવવામાં આવ્યું છે તે તેમના વિલામાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટરોના ઘણા પ્રયાસો બાદ પણ તેમને જીવંત કરી શક્યા નહોતા.
શેન વોર્નને ત્રણ બાળકો છે. પોતાના લેગ સ્પિનના જાદુથી તેમને વિશ્વ ક્રિકેટમાં અલગ નામ કમાવ્યું હતું. તેમણે કોમેન્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો હતો. આવી રીતે તેમના મૃત્યુથી દરેક ચકિત થઈ ગયા છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે જણાવ્યું છે કે, મહાન સ્પિનરોમાંથી એક, સ્પિનને શાનદાર બનાવનાર સુપરસ્ટાર શેન વોર્ન હવે રહ્યા નથી. જીવન ખૂબ જ નાજુક છે, પરંતુ તેમને સમજવું ઘણું મુશ્કેલ છે. દુનિયાભરમાં તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રતિ મારી હાર્દિક સંવેદના.
ટેસ્ટ ક્રિકેટમાં શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે કુલ 145 મેચ રમી છે. તેમાં તેમના નામે 708 વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે શેન વોર્ન મુથૈયા મુરલીધરન પછી બીજા ક્રમ પર રહેલા છે. આ સિવાય વોર્નના નામે ODI ક્રિકેટમાં 293 વિકેટ છે.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શેન વોર્ન રમ્યા નથી પરંતુ IPL માં સૌથી પ્રથમ ટ્રોફી જીતનાર કેપ્ટન તે જ રહ્યા હતા. રાજસ્થાન રોયલ્સે આઈપીએલમાં સૌથી પ્રથમ ટાઈટલ જીત પ્રાપ્ત કરી હતી અને આ દરમિયાન કેપ્ટન શેન વોર્ન જ હતા.