ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર બાદ રશિયાએ હવે ગૂગલ ન્યૂઝ પર મુક્યો પ્રતિબંધ, જાણો શું છે તેના પાછળનું કારણ?
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર બાદ હવે રશિયાએ પોતાના દેશમાં ગૂગલ ન્યૂઝને બ્લોક કરી દીધા છે. રશિયાના કોમ્યુનિકેશન રેગ્યુલેટર દ્વારા ગૂગલ ન્યૂઝ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમનકાર દ્વારા ગૂગલ ન્યૂઝ પર આરોપ છે કે, તે યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાનના વિશેમાં ખોટી માહિતીને એક્સેસ કરવાની પરવાનગી આપે છે. રિપોર્ટ મુજબ, રશિયામાં તાજેતરમાં એક નવો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, જેના હેઠળ રશિયા સેનાને બદનામ કરનારી કોઈ પણ ઘટનાની રિપોર્ટ કરવી ગેરકાયદેસર છે.
તાજેતરમાં જ રશિયાની એક કોર્ટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને કટ્ટરપંથી સંગઠન ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. અધિકારીઓ દ્વારા અમેરિકી સોશિયલ મીડિયા દિગ્ગજ મેટા (પહેલા ફેસબુક) પર યુક્રેનમાં યુદ્ધ દરમિયાન “રસોફોબિયા” ને સહન કરવાનો આરોપ લગાવ્યા બાદ પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ Tverskoye ડિસ્ટ્રિક્ટ કોર્ટે જણાવ્યું હતું કે, “કોર્ટ ઉગ્રવાદી પ્રવૃત્તિઓ કરવા માટે બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની ફરિયાદીઓની વિનંતી સાથે સંમત થઈ છે, પરંતુ Meta ની WhatsApp મેસેન્જર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, કારણ કે આ જાહેર મંચ નથી.”
તમને જણાવી દઈએ કે, રશિયાએ થોડા દિવસો પહેલા માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય કેટલીક અન્ય કંપનીઓ પણ રશિયાના નિશાના પર છે. વાસ્તવમાં, ફેસબુક, ટ્વિટર, ગૂગલ અને ઇન્સ્ટાગ્રામ સાથે રશિયાનો સંઘર્ષ યુક્રેન સાથે તેના ચાલી રહેલા યુદ્ધને કારણે છે. યુદ્ધના કારણે ઘણી કંપનીઓએ રશિયામાં પોતાનો કારોબાર બંધ કરી દીધો હતો, જ્યારે કેટલીક કંપનીઓએ રશિયા પર ઘણી રીતના નિયંત્રણો લગાવ્યા હતા. એટલું જ નહીં ફેસબુકે યુક્રેનમાં હેટ સ્પીચના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે.