
ગાંધીનગરમાં વસવાટ કરતી એક છોકરીને બાળપણથી કૃષ્ણભક્તિમાં ભારે રસ હતો. અને તેને મીરાંબાઈની જેમજ કૃષ્ણભક્તિમાં ઘેલી થઈ ને તેને સંસાર છોડવાનો નિર્ણય લીધો હતો. તેને મન માં સતત એવું લાગતું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ તેને મળવા બોલાવી રહ્યા છે.
આવું લાગવાના કારણે તે એક દિવસ પોતાનું ઘર છોડીને દ્વારકાની તરફ ગઈ હતી. આ વાતની તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસ દ્વારકા જતી ટ્રેનમાંથી આ યુવતીને શોધી લીધી હતી. અને તેના પરિવારને સોંપી હતી.
આ યુવતી મીરાંબાઈની જેમજ કૃષ્ણભક્તિ કરતી હોવાનું માનવમાં આવી રહ્યું છે અને આ ભક્તિમા તેને પોતાનું ઘર છોડી દીધું હતું. તેથી આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ યુવતી શહેરની જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.આ યુવતી તેના મામાના ઘરે રહે છે.
આ યુવતીને બાળપણથી કૃષ્ણ ભક્તિમાં ભારે રસ હોવાનું જાણવા મળ્યું છે. તે હમેશાં પ્રભુસ્મરણમાં રહેતી હતી. એક દિવસ તે અચાનક ઘરની બહાર નીકળ્યા બાદ તે પરત આવી ન હતી. તેથી તેના પરિવારે તેની શોધ ખોળ શરુ કરી હતી. આ શોધ ખોળ માં પરિવારના સભ્યોને એક ચિટ્ઠી મળી હતી.
જેમાં યુવતી એ લખ્યું હતું કે,” ભગવાન કૃષ્ણ સાથે મારે સીધું કનેક્શન છે, ભગવાન મને મળવા બોલાવી રહ્યા છે અને હવે હું તેમને મળવા દ્વારિકા જઈ રહી છુ.” યુવતીની આ ચિઠ્ઠી વાંચીને તેના પરિવારના સભ્યોએ પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો.
પોલીસને આ બાબતની જાણ થતાં તેને શરૂઆતમાં આ ઘટના પર વિશ્વાસ થયો ન હતો. પરંતુ યુવતીના પરિવારની ફરિયાદ સાંભળીને પોલીસે તરત રેલવે પોલીસનો સંપર્ક કરીને તેની મદદ લીધી હતી. આ તપાસ દરમિયાન આ યુવતીના સીસીટીવી ફૂટેજ કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા હતા. પોલીસે આ ફૂટેજના આધારે દ્વારકા જતી ટ્રેનમાં તપાસ કરી હતી. અને આ યુવતીને શોધી કાઢી હતી.
પોલીસે આ યુવતીના પરિવારને જાણ કર્યા બાદ યુવતીને સમજાવી હતી અને કહ્યું હતું કે આ ઉંમરે ઘર છોડવું જોઈએ નહિ. અને ભક્તિની સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત એમ પણ કહ્યું હતું કે કૃષ્ણ ભક્તિમાં તારા પરિવારજનો હવે વચ્ચે નહિ આવે તેવું આશ્વાસન આપીને તેને ઘરે જવા માટે તૈયાર કરી હતી.