રવિચંદ્રન અશ્વિન દ્વારા રેકોર્ડ તોડ્યા બાદ કપિલ દેવનું મોટું નિવેદન
રવિચંદ્રન અશ્વિન દ્વારા રેકોર્ડ તોડ્યા બાદ કપિલ દેવનું મોટું નિવેદન
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાન પર આવી ગયા છે. તેમણે આ બાબતમાં ભૂતપૂર્વ દિગ્ગજ કપિલ દેવને પાછળ છોડી દીધા છે. કપિલ દેવના નામે 434 વિકેટ હતી. આ રેકોર્ડ તૂટવા પર કપિલ દેવે મોટી પ્રતિક્રિયા આપી છે.
એક નામી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યુમાં કપિલ દેવે જણાવ્યું હતું કે, ખાસ કરીને એવા વ્યક્તિ માટે આ એક મોટી સિદ્ધિ છે જેને હાલના સમયમાં પૂરતી તકો મળી નથી. જો તેમને તકો મળી હોત તો તે ઘણા સમય પહેલા 434 ને પાર કરી ગયો હોત. હું તેમના માટે ખુશ છું; હું તેમને (બીજા સ્થાન) કેમ રાખું? મારો સમય પસાર થઈ ગયો છે.
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અશ્વિન આ મોટા લેન્ડમાર્ક સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. આ ટેસ્ટ મેચમાં આ અંતિમ દિવસ પણ સાબિત થયો કેમકે શ્રીલંકન ટીમને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિચંદ્રન અશ્વિને પ્રથમ ઇનિંગમાં ૨ વિકેટ ઝડપી લીધી હતી. ત્યાર બાદ બીજી ઇનિંગમાં તેમને કુલ ચાર વિકેટ લેતા ભારતીય ટીમની જીતમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચ જીતતા 1-0 થી સીરીઝમાં લીડ પ્રાપ્ત કરી લીધી હતી.
અશ્વિનને એક શાનદાર અને બુદ્ધિશાળી સ્પિનર ગણાવતા કપિલ દેવે જણાવ્યું છે કે, તેમને હવે આગામી ટાર્ગેટ 500 વિકેટનો બનાવો જોઈએ. કપિલ દેવે એમ પણ કહ્યું કે, મને આશા છે કે તે આનાથી વધુ વિકેટો મેળવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટમાં કપિલ દેવના નામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ હતો, ત્યાર બાદ અનિલ કુંબલેએ તોડી નાખ્યો હતો. અનીલ કુંબલેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ છે. હવે અશ્વિને કપિલ દેવની વિકેટના આંકડાને પણ પાછળ છોડી દીધા છે.