
કમલ હાસનની ‘વિક્રમ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. રિલીઝ થયા બાદથી સતત કમાણી કરનારી આ ફિલ્મ 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ દરમિયાન ફિલ્મ ‘વિક્રમ’ એ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મે હવે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી 2’ ને પાછળ છોડી દીધી છે, ત્યાર બાદ વિજય સેતુપતિ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરતો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે.
આ ફિલ્મે એક નવો રેકોર્ડ પોતાના નામે કરતા કમાણીની બાબતમાં ‘બાહુબલી 2’ ને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે માત્ર 16 દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તમિલનાડુની વાત કરીએ તો આ રાજ્યમાં ફિલ્મે 150 કરોડનું કલેક્શન કરીને ‘બાહુબલી 2’ નો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે, ‘બાહુબલી 2’ તમિલનાડુમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. હાલમાં ફિલ્મની કમાણીની ગતિને જોતા કહી શકાય કે આવનારા સમયમાં આ ફિલ્મ વધુ ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
આ ફિલ્મની સફળતાથી અભિનેતા વિજય સેતુપતિ પણ ખૂબ જ ખુશ છે. તમિલનાડુમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બન્યા બાદ તેમણે તેમની એક ટૂંકી ક્લિપ રિલીઝ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. વીડિયોમાં એજન્ટ ટીના જોરદાર સ્ટંટ કરતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ‘વિક્રમ’ એક હાઇ-ઓક્ટેન એક્શન એન્ટરટેઇનર છે, જેને લોકેશ કનગરાજે લખી અને નિર્દેશિત કરી છે. આ ફિલ્મમાં કમલ હાસન, ફહાદ ફૈસિલ અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે સુર્યાએ રોલેક્સની ભૂમિકા ભજવી હતી. તેમનો પાંચ મિનિટનો વિસ્ફોટક કેમિયો ફિલ્મના આકર્ષણમાંથી એક હતો. આ ફિલ્મમાં કાલિદાસ જયરામ, નારાયણ, વાસંતી, ગાયત્રી અને સંથાના ભારતી સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા.