Jammu-Kashmir News: અનંતનાગમાં આતંકવાદીઓ BJP નેતા અને તેમની પત્નીની હત્યા કરી થયા ફરાર
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોક વિસ્તારમાં મોટો આતંકી હુમલો થયો છે. સોમવારે અહીં આતંકવાદીઓ દ્વારા ભાજપના નેતા અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ગુલામ રસૂલ ડાર કુલગામ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા. આ ઘટનાને લઈને ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આતંકવાદીઓ સોમવારના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોકમાં કુલગામ કિસાન મોરચાના ભાજપના નેતા ગુલામ રસૂલ ડારના ભાડાના મકાનમાં ઘુસ્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ભાજપના નેતા ડાર અને તેની પત્ની જવાહિરા બંને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
તેમને જીએમસી અનંતનાગ લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આતંકી હુમલાની જાણકારી મળતા પહોંચેલી પોલીસે સુરક્ષા દળો સાથે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી લીધી હતી. તેની સાથે વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
Jammu & Kashmir | Terrorists fired bullets at a couple at Lal Chowk in Anantnag. Both husband & wife have been shifted to hospital. More details awaited.
— ANI (@ANI) August 9, 2021
કુલગામ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા ગુલામ રસૂલ ડાર: બીજી તરફ જમ્મુ કાશ્મીરના ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે કહ્યું છે કે, ગુલામ રસૂલ ડાર, કુલગામ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા. તેમણે કહ્યું છે કે, ગુલામ રસૂલ ડાર અને તેની પત્ની અનંતનાગમાં આતંકવાદીઓના હુમલામાં તેમનું મોત થઈ ગયું હતું.
બલિદાન વ્યર્થ નહીં જાય: જમ્મુના ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ હુમલાની નિંદા કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાનના ડરપોક આતંકવાદીઓએ કુલગામમાં ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીની હત્યા કરી હતી. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેના હત્યારાઓને તેની સખત સજા મળશે.