રાજકારણ

ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન “ભાજપ માત્ર વચનો આપે છે અને પછી તે વચનોની વિરુદ્ધ કામ કરે છે”

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વના મુદ્દે મીડિયાને સંબોધિત કરી હતી. તેમણે તે દરમિયાન જણાવ્યું હતું કે, ભાજપ સરકાર વારંવાર લોકોની લાગણી સાથે રમત કરી રહી છે, સતત અલગ-અલગ વચનો આપ્યા બાદ તેને પુરા કર્યા નથી. પરંતુ તેનું શું થયું? તેનો પણ જવાબ આપ્યો નથી. જેમ ભાજપ સરકારે કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાની વાત કરી હતી, 2012માં આ વચન આપ્યું હતું, આજે 2022 માં પણ ચાલી રહ્યું છે અને આજે પણ ગુજરાતમાં ત્રણ લાખથી વધુ કુપોષિત બાળકો રહેલા છે. ગુજરાતમાં ભાજપ ગમે તેટલા વચનો આપે, તેનાથી વિપરીત જ કામ કરે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ભાજપે એક વખત આવી હાસ્યાસ્પદ વાત કહી હતી કે નળમાંથી પેટ્રોલ આવે છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ઘણો ભ્રષ્ટાચાર છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ કહ્યું છે કે, ઘણા સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે તે વાતો અલગ કરે છે અને કામ અલગ જ કરે છે. ગુજરાત સરકાર પાસે 11000 કરોડનો કોઈ હિસાબ નથી, આ માત્ર એક ઉદાહરણ છે. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના જે પણ આક્ષેપો થાય છે તેની તપાસ પણ કરવામાં આવતી નથી.

2017 માં ભાજપે જણાવ્યું હતું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે ખેડૂતોની આવક બમણી થવાને બદલે તેમના ખર્ચમાં વધારો જ થયો છે. તેના કારણે ખેડૂતો ધીરે ધીરે પાયમાલ પણ થઇ રહ્યા છે. ભાજપે કહ્યું હતું કે, 2022 સુધીમાં નર્મદાનું પાણી 18,45,000 હેક્ટર જમીન સુધી પહોંચી જશે. આ પણ શક્ય બન્યું થયું. 2007 માં નરેન્દ્ર મોદીએ કલ્પસર નું ભૂમિપૂજન કર્યું હતું, ત્યારબાદ 2012માં પણ ભૂમિપૂજન કર્યું હતું, પરંતુ આજે 2022માં પણ તે પ્રોજેક્ટમાં કોઈ કામ ન થવાને કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે.

2013 માં નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ સ્વામીનાથન કમિટીના રિપોર્ટને લાગુ કરશે, પરંતુ 2014 માં તેમની સરકાર બની, ત્યાર બાદ આજ સુધી 8 વર્ષમાં સ્વામીનાથન કમિટીના રિપોર્ટનો અમલ થયો નથી. નરેન્દ્ર મોદી એ પણ વચન આપ્યું હતું કે, 2022 સુધી કોઈ ગુજરાતી ઝૂંપડપટ્ટીમાં નહીં રહે પરંતુ આજે ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ સિવાય કે જી બેસિન માંથી ગેસ નીકળતો હોવાની ચર્ચા હતી પરંતુ આજે તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ભાજપે વચન આપ્યું હતું કે દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વ્યક્તિને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે પરંતુ આજે 4 નાગરિકોમાંથી 1 વ્યક્તિ BPL ની શ્રેણીમાં આવે છે. આજે ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો BPLની શ્રેણીમાં આવે છે, તેથી હું ભાજપને પૂછું છું કે, તમે અત્યાર સુધી કર્યું છે શું?

અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે, વિકાસયાત્રા જેવા કાર્યક્રમો કરીને તેઓ માત્ર લોકોને ગેરમાર્ગે દોરે છે, તે શરમજનક બાબત કહેવાય. જનતાના પૈસા થી વિકાસ યાત્રા જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જ્યાં સરકાર બન્યાના 3 મહિનાની અંદર આમ આદમી પાર્ટી એ વીજળી ફ્રી કરી દીધી છે. સરકાર એવી હોવી જોઈએ કે જે જલ્દી થી જલ્દી પોતાના વચન પૂર્ણ કરે અને જનતાની સેવા કરતી રહે.

ભાજપના લોકો કહે છે કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ, તો હું ગુજરાતના યુવાનોને અપીલ કરવા માંગુ છું કે, તમે ભાજપને સોશિયલ મીડિયા પર જવાબ આપો કે તેઓએ આજ સુધી કંઈ કર્યું નથી. જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી માત્ર ભાજપના નેતાઓ, અને ભાજપના કાર્યાલયનો જ વિકાસ કરવામાં આવ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button