જમ્મુમાં મોટો બ્લાસ્ટ : શહેરના વ્યસ્ત વિસ્તારમાં વિસ્ફોટથી થતા ત્રણ લોકોના મોત, 15 થી વધુ ઈજાગ્રસ્ત
જમ્મુના રેસિડેન્સી રોડ વિસ્તારમાં એક રહસ્યમય વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટ એક ભંગારની દુકાનમાં થયો હતો. પોલીસ દ્વારા આ મામલાની તપાસમાં કરવામાં આવી રહી છે. વિસ્ફોટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળેથી પોલીસ દ્વારા પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આજ સાંજના રેસિડેન્સી રોડ પર જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના અવાજથી વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. જમ્મુ શહેરના વ્યસ્ત વિસ્તારમાં વિસ્ફોટની ઘટનાએ અધિકારીઓમાં પણ હડકંપ મચાવી દીધી છે. વિસ્ફોટ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જમ્મુના રેસિડેન્સી રોડ વિસ્તારમાં આવેલી એક ભંગારની દુકાનમાં આજ સાંજના આગ લાગી હતી. આગની જ્વાળાઓએ સંપૂર્ણ ઇમારતને તેની ઝપેટમાં લઇ લીધી હતી. ત્યાર બાદ અંદર પડેલા કેટલાક LPG સિલિન્ડર પણ ફાટ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકોમાં જીવ ગયા છે. જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
તેની સાથે પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી સ્થળ પરથી મૃતક અને ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જયારે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.