વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં આ સ્ટાર ખેલાડીઓને મળી જગ્યા….
ભારતીય વ્હાઈટ બોલ ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન લોકેશ રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ વેસ્ટ ઈન્ડિઝ સામે 16 ફેબ્રુઆરીથી કોલકાતામાં શરૂ થઈ રહેલી ત્રણ મેચની T-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય સીનીયર પસંદગી સમિતિએ તેમના રિપ્લેસમેન્ટના રૂપમાં ઋતુરાજ ગાયકવાડ અને દીપક હુડાને પસંદ કર્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે.
આ કારણોસર થયા બહાર
બીસીસીઆઈ દ્વારા આ બાબતમાં જણાવવામાં આવ્યું છે કે, લોકેશ રાહુલના વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વનડે મેચમાં ફિલ્ડિંગ દરમિયાન સ્નાયુ ખેંચાઈ ગયા હતા. જ્યારે અક્ષર પટેલ કોરોનાના વાયરસ બાદ પોતાના રિહેબિલિટેશનના અંતિમ તબક્કામાં હોવાના કારણે ટી-20 સીરીઝ રમી શકશે નહીં. હવે તે પોતાની ઈજાની વધુ દેખરેખ માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે.
નોંધનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ T-20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીના કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. તેમ છતાં હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, વનડે સીરીઝની જેમ T-20 સીરીઝ પણ બંધ દરવાજાની પાછળ રમાશે અથવા ચાહકોને મંજૂરી આપવામાં આવશે.
ભારતની T-20 ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), વેંકટેશ અય્યર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડા.