અમદાવાદના શિવરંજની પાસે વીમા નગર નજીકના ગઈ કાલે મોડી રાત્રીના હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં કારે ઝૂંપડાની બહાર રસ્તા પર સુતેલા પરિવારને અડફેટે લઇ લીધો હતો. આ દૂર્ઘટનામાં પરિવારની એક મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.
જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા. તેની સાથે ઇજાગ્રસ્તોમાંથી બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમ મોકલી દેવાયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ હોસ્પિટલમાં સરાવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમ છતાં હાલ કારમાં સવાર લોકો ફરાર થયેલા છે.
જ્યારે પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને આ લોકોની તપાસ શરુ કરી દીધી છે. આ દુર્ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થી ગઈ હતી. જેમાં હિટ એન્ડ રન કરનારી કારનો નંબર GJ01RU8964 છે અને તેનો રંગ સફેદ રહેલો છે. પોલીસ આ નંબર પ્લેટ પરથી વધુ તપાસ શરુ કરી છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, કારમાં સવાર ચાર લોકો દારૂ પીધેલી હાલતમાં હોય તેવી જાણકારી સામે આવી છે. પ્રત્યક્ષદર્શીનાં જણાવ્યાં પ્રમાણે, હું રાત્રે ઇસ્કોનથી આ તરફ જ આવી રહ્યો હતો. ત્યારે બે કાર દ્વારા હરીફાઇ કરતા હોય તેમ એકદમ ફૂલફાસ્ટ ચલાવી રહ્યા હતા.
આ કાર મારી બાજુમાંથી ગઇ ત્યારે હું પણ ભયભીત થઈ ગયો હતો. તે દરમિયાન મે વિચાર્યું કે, આ લોકો અકસ્માત ન સર્જે તો સારું અને થોડા દૂર આવીને જોયું તો આ અકસ્માત મે જોયો હતો. ત્યાર બાદ મે મારી કાર બાજુમાં મૂકીને અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા અને બાદમાં મે 108 ને ફોન કરી દીધો હતો.
મે જોયું ત્યારે એક ભાઇ આગળનાં વ્હીલમાં ગાડી નીચે આવી ગયેલા હતા અને બે બાળકો પાછળનાં વ્હીલમાં રહેલા હતા. જ્યારે મહિલાને જોઇ ત્યારે લાગ્યું કે તેમનું ત્યાં જ મોત નીપજ્યું હતું. આ કારમાં ચાર લોકો સવાર જોવા મળ્યા હતા. આ અક્સમાત બાદ લોકો તેમની પાછળ પડ્યા હતા ત્યારે બે લોકો સીધા ભાગ્યા અને બીજા બે લોકો વિરુદ્ધ દિશામાં નાશી છુટ્યા હતા.