અમદાવાદસમાચાર

આયશાના પતિ આરીફને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

આયશા ખાનના અપઘાત કેસમાં ધરપકડ કરાયેલા પતિ આરીફ ખાનને અમદાવાદ પોલીસે ગઈકાલે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આરીફને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટની બહાર મોટી સંખ્યામાં તેની સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. લગ્ન પછી સાસરિયા દ્વારા આપવામાં આવતા ત્રાસના કારણે વટવામાં પિતાના ઘરે રહેતી આયશાએ 25 મી ફેબ્રુઆરીએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

આયશાએ શેર કરેલા વીડિયો અને ઓડિયોનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ પુરાવાઓમાં તેને આરીફ દ્વારા આત્મહત્યા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોય અને દહેજ માટે ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આયશાના પતિ આરીફને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. આયશાના પરિવાર સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સોશિયલ મીડિયા પર આરીફને કડક સજા મળવી જોઈએ તેવી માગણી કરવામાં આવી રહી છે.

આરીફને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં તેના 5-7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવે તેવી સંભાવના છે. આરીફને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેને જોવા માટે અને તેની સામે વિરોધ વ્યક્ત કરવા માટે લોકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા.

લગ્નના થોડા સમય પછી આયશાના પરિવાર પાસેથી દહેજની માગણી કરવામાં આવતી હતી અને તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સિવાય આરીફના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધો પણ સામે આવી રહ્યા છે અને તેના કારણે આયશા તણાવમાં રહેતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button