આંબોલીના એક પરિવારની સગીર દીકરીઓ એકસાથે થઇ લાપતા
કામરેજ તાલુકાના આંબોલી ગામે રહેતા પરિવારની 4 સગીર વયની દીકરીઓ અને ખોલવડ ગામનો સગીર એક સાથે ગૂમ થઈ ગયા હતાં. જોકે સગીર અને 14 વર્ષીની સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળેલ છે. સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે.
કામરેજ તાલુકાનાં આંબોલી ગામે સ્ટાર નગરમાં રહેતા મુસ્લિમ પરિવારની સગીર વયની ચાર છોકરીઓ તથા ખોલવડની એક સોસાયટીમાં રહેતો 16 વર્ષનો સગીર એક સાથે ગુમ થઇ જતાં પરિવારમાં ચકચાર મચી ગઇ હતી.
પરિવાર દ્વારા ભારે શોધખોળ બાદ નહીં મળી આવતા કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાહેરાત આપી હતી. ગૂમ થયેલ 4 છોકરીઓમાંથી એકની ઉમર 15 વર્ષ, બીજીની 13 વર્ષ, ત્રીજીની 17 વર્ષ ચોથીની 14 વર્ષ તેમજ 16 વર્ષનો એક સગીર સામેલ છે.
જાણવા મળતી વિગત મુજબ 14 વર્ષની છોકરી અને 16 વર્ષનાં છોકરા વચ્ચે પ્રેમસબંધ હોય તે બાબતે છોકરીનાં માતા પિતાએ ઠપકો આપતાં ઘર છોડ્યું હોવાની ચર્ચા છે. સગીરાનાં પિતાએ કામરેજ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ અરજી આપતા પોલિસે તપાસ આદરી છે. પોલિસનાં જણાવ્યા પમાણે ગુમ થનારનાં મોબાઇલ હાલ સ્વીચ ઓફ બતાવે છે પોલિસની સર્વેલન્સ ટીમ લોકેશન મેળવવા માટે કામે લાગી છે.