રાજ્યમાં માસ્ક નહીં પહેરવા બદલ 36 લાખ લોકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો આટલા કરોડનો દંડ
રાજ્યમાં માસ્ક નહીં પહેરવા બદલ 36 લાખ લોકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો આટલા કરોડનો દંડ
ગુજરાત (Gujarat)માં છેલ્લા બે વર્ષમાં માસ્ક (Mask) પહેરવા સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. પોલીસે આ નિયમનો ભંગ કરનાર 36,26,572 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી અને 249 કરોડ 90 લાખ 61 હજાર 20 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા માસ્ક પહેરવાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાના પ્રશ્ન પર રાજ્ય સરકારે આ જવાબ રજૂ કર્યો હતો. જેમાં અમદાવાદ જિલ્લામાં 7.73 લાખથી વધુ લોકોએ માસ્ક પહેરવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમની પાસેથી 59 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
સુરતમાં સાડા ત્રણ લાખથી વધુ લોકો પાસેથી 29.47 કરોડ જ્યારે વડોદરામાં 2.67 લાખ લોકો પાસેથી 21 કરોડ વસૂલવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં 2.15 લાખથી વધુ લોકો પાસેથી 12.66 કરોડથી વધુ, મહેસાણામાં 1.46 લાખ લોકો પાસેથી 10 કરોડ, ભાવનગરમાં 64 હજાર લોકો પાસેથી 9.74 કરોડ, જામનગરમાં 1 લાખ લોકો પાસેથી 7.84 કરોડ, કચ્છ જિલ્લામાં 1.18 લાખ લોકો પાસેથી 6.32 કરોડ, સાબરકાંઠા જિલ્લામાં 75 હજાર લોકો પાસેથી 5 કરોડથી વધુ, ગાંધીનગર જિલ્લામાં 97 હજાર લોકો પાસેથી 4.32 કરોડ, આણંદ જિલ્લામાં 60,594 લોકો પાસેથી 3.88 કરોડ, ખેડા જિલ્લામાં 1,96,205 લોકો પાસેથી 1.32 કરોડ અને સાબરકાંઠા જિલ્લામાં 75 હજાર લોકો પાસેથી 5 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
52907 લોકોએ સ્થળ પર ન હતો ભર્યો દંડ
રાજ્યમાં 52907 લોકોએ સ્થળ પર દંડ ભર્યો ન હતો. આઇપીસી કલમ અને રોગચાળાના રોગો અધિનિયમ હેઠળ સ્થળ પર દંડ ન ભરનારાઓ સામે કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ કેસ વડોદરા જિલ્લામાં 15,333 લોકો સામે, બનાસકાંઠા જિલ્લામાં 8906 લોકો સામે સાબરકાંઠા જિલ્લામાં 8165 લોકો સામે નોંધાયા છે.