ચોંકાવનારો કિસ્સો, માત્ર રૂ. 20ના ચાઇનીઝ રમકડાએ લીધો બાળકનો ભોગ

ઈન્દોર શહેરમાં ચુંબક ગળવાને કારણે 3 વર્ષના બાળકનું મોત થયું હતું. બાળકનું નામ કબીર છે તેની બહેન મૈત્રી કબીર માટે રમકડાં લાવી હતી જેની હાલત હાલ રડી-રડીને ખરાબ થઈ છે. કબીરનું મોત ચુંબક ગળવાથી થયું, મૈત્રી જ તેના માટે રમકડા સાથે લઈને આવી હતી. હકીકતમાં મૈત્રીએ તેના ઘરની પાસેની દુકાનથી અમુક દિવસ પહેલા જ 20 રૂપિયાનું ચુંબકનું પેકેટ રમવા માટે અપાવ્યું હતું.
આ મેડ ઈન ચાઈનાનું ચુંબક હતું. એક પેકેટમાં સ્ટાર આકારના નાના-નાના ચુંબક હતા. તે એક બિંદી જેવા અને વજનમાં હલકા હતા. આ ચુંબક ચિકણા હોવાથી સ્લિપ થઈ થવાના ચાન્સ વધુ રહે છે.આ ચુંબક રમ્યા પછી મૈત્રીએ તેને ઘરમાં જ કોઈ જગ્યાએ મુકી દીધા હતા, જે પછીથી કબીરના હાથે મળી ગયા હતા. આ અંગે પરિવારને ત્યારે ખબર પડી જ્યારે કબીરે ગળામાં કંઈ ખૂંચતું હોવાની વાત કહી.

પરિવારે કબીરને હોસ્પિટલ બતાવવા લઈ ગયા પરંતુ ત્યારે તેને શરદી હોવાથી 10 દિવસ પછી તેનું ઓપરેશન કરવાનું ડોક્ટરોએ કહ્યું. શરદીના કારણે કબીરને લિક્વિડ ફૂડ જ ભોજન આપતા હતા, શરદી મટે પછી વહેલી તકે ઓપરેશન કરી શકાય. આ જ કારણે તેને ભોજનમાં શરદી વધે તેવી વસ્તુઓ આપતા ન હતા. પણ કબીર વારંવાર આઈસક્રીમ-ચોકલેટ ખાવાની ડિમાન્ડ કરતો હતો.
વધુ માહિતીમાં કબીરના કાકાએ જણાવ્યું કે, આખો પરિવાર કબીરનું ખાસ ધ્યાન રાખતું હતું. 15 દિવસ અગાઉ જ કબીરનું સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું અને ઓનલાઈન ક્લાસ પણ શરૂ થઈ ગયા હતા. કબીરને અભ્યાસમાં ઘણી મજા આવતી હતી અને તે ઘણું સમજતો પણ હતો. બહેન મૈત્રી તો તેના ભાઈ વિના રહી શકતી ન હતી.

બંને ભાઈ બહેન સાથે જ રમતા હતા. 10 વર્ષીય મૈત્રી રક્ષાબંધનના દિવસની રાહ જોઈ રહી હતી, પરંતુ તે પહેલા જ તેણીએ પોતાનો ભાઈ ગુમાવતા મોટો આઘાત લાગ્યો છે અને તેણીએ પોતાની હાલત રડીને ખરાબ થઈ ગઈ હતી.
2 એપ્રિલે કબીરનો જન્મદિવસ આવતો હતો. જોકે ત્યારે શહેરમાં કોરોના પણ વધુ હતો અને તેના જન્મદિવસના 2 દિવસ પહેલા જ કબીરના દાદાનું કોરોનાથી મોત થયું હતું.જેના લીધે પરિવારે ત્યારે કબીરને સમજાવ્યો કે થોડા સમય પછી જ રક્ષાબંધનનો તેહવાર આવે છે તે આપણે સારી રીતે ઉજવશું. જેથી કબીર પણ રક્ષાબંધનના તેહવારની રાહ જોઈ રહ્યો હતો.
 
				


