તો હવે ઓલમ્પિક માં ચોક્કા અને છગ્ગા લાગે તેવી શક્યતાઓ તીવ્ર બનતી જાય છે, જાણો આા બાબતે શું કહે છે ICC
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મંગળવારે પુષ્ટિ કરી કે તે લોસ એન્જલસમાં 2028 ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો દાવો કરશે. આઇસીસી છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેના દાવાને વિશ્વના સૌથી ધનિક બોર્ડ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. BCCI ના સચિવ જય શાહે તાજેતરમાં આ અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો હતો.
ICC એ એક ઓલિમ્પિક વર્કિંગ ગ્રુપની પણ સ્થાપના કરી છે જે 2028 થી ક્રિકેટને ઓલિમ્પિક ગેમ્સનો ભાગ બનાવવાની દિશામાં કામ કરશે. ICC ના ચેરમેન ગ્રેગ બાર્કલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે બધા આ દાવામાં એકમત છીએ અને અમે ઓલિમ્પિકને ક્રિકેટના ભવિષ્ય તરીકે જોઈએ છીએ. “વૈશ્વિક સ્તરે અમારી પાસે એક અબજ ચાહકો છે અને તેમાંથી લગભગ 90 ટકા લોકો ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવા માંગે છે.
“તે સ્પષ્ટ છે કે ક્રિકેટનો મજબૂત અને જુસ્સાદાર ચાહક આધાર છે, ખાસ કરીને દક્ષિણ એશિયામાં, જ્યાં તેનો ચાહક આધાર 92 ટકા છે. આ સિવાય અમેરિકામાં જ 30 કરોડ ક્રિકેટ ચાહકો છે. આ ચાહકો માટે તેમના નાયકોને ઓલિમ્પિક મેડલ માટે સ્પર્ધા કરતા જોવાનું ખૂબ પસંદ આવશે.
બાર્કલીએ તાજેતરમાં સમાપ્ત થયેલા ટોક્યો ઓલિમ્પિક્સના આયોજકોને કોવિડ -19 રોગચાળો હોવા છતાં રમતો સફળતાપૂર્વક યોજવા બદલ અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું, “આઈસીસી વતી, હું IOC (આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ), ટોક્યો 2020 ના આયોજકો અને જાપાનના લોકોને મુશ્કેલ સંજોગોમાં પણ અદ્ભુત રમતોનું આયોજન કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું. બાર્કલેએ કહ્યું, “રમતગમતે લોકોની લાગણીઓ પર કબજો મેળવી લીધો છે અને અમે ભવિષ્યની ઓલમ્પિકની રમતોમાં ક્રિકેટને ભાગ લેતા જોઈશું.”
“અમે માનીએ છીએ કે ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ કરવો શાનદાર રહેશે, પરંતુ અમે જાણીએ છીએ કે તેને ઓલિમ્પિકમાં સ્થાન આપવું સરળ નથી કારણ કે અન્ય ઘણી રમતો પણ આવું કરવા માંગે છે. “પરંતુ અમને લાગે છે કે અમારા પ્રયત્નોને આગળ વધારવા અને ક્રિકેટ અને ઓલિમ્પિક્સ વચ્ચેની ભાગીદારી કેટલી સારી છે તે દર્શાવવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના પ્રમુખ ઇયાન વોટમોર આઇસીસી ઓલિમ્પિક વર્કિંગ ગ્રુપનું નેતૃત્વ કરશે અને તેમની સાથે આઇસીસીના સ્વતંત્ર નિર્દેશક ઇન્દ્ર નૂઇ પણ હશે. ઝિમ્બાબ્વે ક્રિકેટના તાવેંગવા મુકુહલાની, ICC ના સહયોગી સભ્ય નિયામક અને એશિયન ક્રિકેટ પરિષદના ઉપપ્રમુખ મહિન્દા વલ્લીપુરમ અને યુએસ ક્રિકેટના પરાગ મરાઠે પણ કાર્યકારી જૂથનો ભાગ છે.